ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ

સોમવારે સાંજે 6 વાગ્યાના પ્લેનમાં અમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ* માટે અમદાવાદથી મુંબઈ પહોંચ્યા અને એરપોર્ટ પાસેની એક હોટલમાં રોકાયા. મંગળવારે વહેલી સવારની ફ્લાઈટ હતી.

અહીં કેટલાંક ગૂંચવાડા થાય છે. મંગળવારે સવારે 3 વાગ્યાની ફ્લાઈટ છે એમ કહું, તો આપણાં ગુજરાતીઓ અવશ્ય પૂછે, હં… એટલે સોમવારે મોડી રાત્રે ને? આપણે મોડી રાત કહીએ અને એરપ્લેનની ભાષામાં સવાર એટલે કે 3 a.m. કહે – હવે આ રાત-સવારના ગૂંચવાડામાં પડીએ, તો કોઈક વાર ફ્લાઈટ જ ચૂકી જવાય! તો સાથી પ્રવાસીઓને મારો આગ્રહ છે કે આ બાબતે સતર્ક રહેવું.

એનીવે, અમારી એર ઇન્ડિયાની ફ્લાઈટ ચેન્નાઈ અને કુઆલાલમ્પુર થઈને સિંગાપોર પહોંચવાની હતી. સિંગાપોર પહોંચીને બે જ કલાકમાં અમારી ક્વોન્ટાઝ એરવેઝની ફ્લાઈટ હતી, જે અમને બ્રિસ્બેન થઈને કેઈર્ન્સ (ક્વીન્સલેન્ડ) પહોંચાડવાની હતી. તો એરપ્લેનની આ મુસાફરી બહુ લાંબી થઈ ગઈ…. અમદાવાદ-મુંબઈ-ચેન્નાઈ-કુઆલાલમ્પુર-સિંગાપોર-બ્રિસ્બેન-કેઈર્ન્સ ! ઊંઘીએ તો ઊંઘ પણ ન આવે, સરસ ભોજન પીરસાયું પણ ખવાયું નહીં, વાંચું તો વાંચવાની મજા ન આવી, કોઈ ફિલ્મ જોવાની પણ ઈચ્છા ન થઈ. સતત એમ જ થતું કે ક્યા….રે આ પ્રવાસ પૂરો થાય!

ટૂંકમાં શરૂઆતનો પ્રવાસ ભારે ‘બોરીંગ’ રહ્યો. બુધવારને સવારે 9 વાગે (ત્યાંના સમય પ્રમાણે) અમે કેઈર્ન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઊતર્યા, ત્યારે એવા થાકી ગયા હતા કે સીધા જઈને પલંગ પર સૂઈ જ જવું હતું.  પણ તે પહેલાં અમારે કસ્ટમ્સ વગેરે ફોર્માલિટીઝ પતાવવાની હતી.

 ક્વોરેન્ટાઇન રેગ્યુલેશન્સ
ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન રેગ્યુલેશન્સ ભારે કડક હોય છે. જો તમે ખાદ્યપદાર્થ લઈ જતા હો, તો તમારે તે પહેલેથી ‘ડિક્લેર’ કરવો પડે. એટલે કે કસ્ટમના ફોર્મમાં જણાવવું પડે કે તમે શું અને કેટલું લઈ જાઓ છો. તમે જે લઈ જાઓ છો, તે રાંધેલું છે કે નથી રાંધેલું કે પછી ડેરી-પ્રોડક્ટ છે. જોકે ફળો અને ડેરી-પ્રોડક્ટ લગભગ પ્રતિબંધિત છે. કસ્ટમના માણસોએ અમારો સામાન આખેઆખો ખોલીને જોયો. અમારી પાસેનો નાસ્તો જોઈને મને કહ્યું, ‘યુ મસ્ટ હેવ બીન બીઝી કુકીંગ…’ !! આ વાત વર્ષો પહેલાંની છે પણ હવે ભારતીયોની અવરજવરથી તેમને લાગતું હશે કે આમની સાથે આ (નાસ્તાઓ) તો હોય જ! બધો સામાન જોવાઈ ગયો પછી મેં મારી પર્સ -હેન્ડબેગ ખાતરીપૂર્વક ‘સ્કેનર’માં મૂકી. જ્યારે સ્કેનીંગ મશીનમાં રિપોર્ટ આવ્યો કે ‘ફ્રુટ આઈટમ’ -ત્યારે મારા હોશહવાલ ઊડી ગયા. મેં ચોક્કસ કોઈ ફ્રુટ સાથે નહતું રાખ્યું. અને કશું ‘ડિક્લેર’ પણ નહતું કર્યું. જો તમે ‘ડિક્લેર’ ન કરો અને તમારી પાસેથી ફ્રુટ (કે ડેરી-પ્રોડક્ટ) નીકળે તો તમારા પર સીધી જ કાનૂની  કાર્યવાહી થઈ શકે! હું ગભરાઈ ગઈ. કપાળે પરસેવો થઈ ગયો. મારા સાથી મિત્રો અને કુટુમ્બીજનો પણ ચિંતામાં મૂકાઈ ગયા. હવે એક જાડી લેડી ઓફિસરે મને બાજુ પર લીધી અને મારી આખી પર્સ ખાલી કરાવી. સાચે જ મારી પાસે કોઈ ફ્રુટ નહતું… પણ મારી મુખવાસની ડબ્બીમાંથી ‘આંબોળિયા’ મળ્યા – ફ્રુટ, યુ સી !! ગુજરાતી બહેનોની આ ટેવ ઓસ્ટ્રેલિયામાં ભારે પડે! જોકે ‘મેડમ’ ઓફિસર પ્રેમાળ હતા. તેમણે મને મુખવાસ એટલે શું, તે પૂછ્યું -મને સમજાવતાં ભારે પડી ગયું! ‘યુ શુડ હેવ ડિક્લેર્ડ’, ‘યસ મેમ, આઈ ડુ ફિલ સોરી અબાઉટ ઇટ…’

રેનફોરેસ્ટ
બપોરે બે વાગે અમે સ્કાયરેલ પહોંચ્યા. સ્કાયરેલ રેનફોરેસ્ટ કેબલવે ઓસ્ટ્રેલિયાનું સૌથી સારામાં સારું આકર્ષણ છે. આ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ પણ છે. ઉષ્ણકટિબંધના આ ગાઢ, ઘીચ, વરસાદી જંગલો ‘રેનફોરેસ્ટ’ તરીકે જાણીતા છે. કરોડો વર્ષ પહેલાં, (ડાયનોસોર પ્રાણીઓના સમયમાં!) મોટા ભાગનો ઓસ્ટ્રેલિયા ખંડ ગાઢ જંગલોથી છવાયેલો હતો, જેમાં આ રેનફોરેસ્ટ પણ હતા. હવે આ રેનફોરેસ્ટ, જાતજાતના પ્રાણીઓ અને ભાતભાતની વનસ્પતિઓનું જાણે જીવતું મ્યુઝિયમ જ જોઈ લો! કેઈર્ન્સથી 15 જ મિનિટ દૂર સ્કાયરેલ છે. કારાવોનીકા ટર્મિનલથી કેબલવે શરૂ થાય છે. અહીં બધાં લોકોનાં ગૃપ ભેગાં થયાં હતાં. સ્કાયરેલની નાની કેબીનમાં બેસીને પહેલાં તમને આ ઘટાટોપ ઘેધૂર વૃક્ષોના ચંદરવાની ટોચ

ઉપર લઈ જવામાં આવે છે. વૃક્ષોનો આ ચંદરવો કુદરતી છે. તે એટલો બધો ઘેરો હોય છે કે જેથી નીચેની જમીનને વરસાદ, પવન અને સૂર્યથી રક્ષણ મળે છે. જાણે કે પૃથ્વીએ એક ધાબળો ઓઢી લીધો ન હોય! જંગલમાં માત્ર પચાસ ટકા જ પ્રકાશ જઈ શકે છે. અમે ચેરકારમાં બેસીને કુદરતનો આ અદભુત નઝારો માણ્યો. દુનિયાની અજાયબીઓમાં અહીંનું સ્થાન છે. આ અદભુત અનુભવ પછી અમે રેડ પીક સ્ટેશન પર ઊતર્યા. હા, મારી ડાયરીમાં મેં જે વેબસાઇટ નોંધી હતી, તેની લિન્ક આ છે: http://www.skyrail.com.au/

અહીંથી અમારે જંગલમાં ચાલતા જવાનું હતું. ડરની કોઈ વાત નહતી કારણ કે અહીં તેઓએ ચાલવા માટે એક પહોળો રસ્તો બનાવ્યો હતો અને આ ટુરમાં વનરક્ષકો અમને ગાઈડ તરીકેની સેવા આપતા હતા.  અમારી ગાઈડ  વનરક્ષક એક લેડી -સ્ત્રી હતી. તેની બહાદુરી પર મને ખૂબ માન થયું. તેણે અમને જંગલની અંદર રહેલાં વૃક્ષોની ઘણી બધી વિગત આપી, જેમાં હતા, સ્ટેગહૉર્ન ફર્ન, બાસ્કેટ ફર્ન, સ્ટીન્ગ પ્લાન્ટ વગેરે. તેણે અમને કેટલાંક એવા વૃક્ષો બતાવ્યાં, જે એક હજાર વર્ષ જૂના હતા!! 1000 વર્ષ! કેટલાંક પચાસ મીટર ઊંચા હતા, તો કેટલાંકનો ઘેરાવો ત્રણ ફૂટ હતો! તે વૃક્ષોની ડાળીઓથી એવું જાળું રચાયું હતું કે સૂર્યપ્રકાશ ધરતી સુધી પહોંચી જ ન શકે. આ બધામાં મને બાસ્કેટ પામ્સ બહુ ગમ્યા. આ વૃક્ષોની ટોચ પર કુદરતી જ બાસ્કેટ -ટોપલી જેવો આકાર થતો અને ખરતાં પાંદડાં, ડાળીઓ અને આવું બધું આ બાસ્કેટમાં પડતું. આ પાંદડામાં જીવજંતુ પણ થતાં અને આ રીતે તેમાંથી તેનું કુદરતી જ ખાતર બનતું. આમ વૃક્ષને પોતાનામાંથી જ પોષણ મળી જતું. સ્વનિર્ભરતાની કુદરતી રચના! સ્ટીન્ગ પ્લાન્ટ ઝેરી હતા, અને અમારી ગાઈડે અમને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપી.

જંગલમાં ચાલવાની આ ટુર અમને ખૂબ આકર્ષક, રોમાંચક, રસપ્રદ – એક્સાઈટીંગ લાગી. ત્યાંથી મુખ્ય રેલમથક પર જવા અમે કુરાન્ડા ટર્મિનલ પહોંચ્યા. આ ટર્મિનલથી જતો

ઓસ્ટ્રેલિયાનું એક ફાર્મ

રસ્તો સૌથી રમણિય હતો અને બહુ જ ‘સીનીક’ કુદરતી સૌંદર્ય ધરાવતો હતો પણ મારા બદનસીબે હું તેને પૂરો માણી ન શકી -કારણ કે લાંબી મુસાફરી ખેડ્યા પછી આ ટુર લઈને હવે મારી આંખ થાકી ગઈ હતી! પાછા ફરતાં લગભગ આખે રસ્તે મેં ઊંઘ્યા કર્યું. સાંજના છ વાગવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં સૂર્યાસ્ત પાંચ-સાડા પાંચે થઈ જતો હતો. અમને વેજીટેરિયન ખાવાનું

મળી ગયું. આમ ઓસ્ટ્રેલિયાની ધરતી પરનો પ્રથમ દિવસ મારે માટે ખૂબ રસપ્રદ રહ્યો.

(*આ પ્રવાસ આજથી લગભગ દસ વર્ષ પહેલાં થયો હતો.)

નવેમ્બર 5, 2012 Posted by | ઓસ્ટ્રેલિયા | 1 ટીકા

ટ્રાવેલ ટિપ્સ – ૨

ટ્રાવેલ લાઈટ: સામાન જેટલો ઓછો, તેટલી પ્રવાસની મજા વધુ!

૮. જરૂરી હોય એટલો જ સામાન લઈ જવો. સામાન જેટલો ઓછો, તેટલી પ્રવાસની મજા વધુ!
૯. જરૂર હોય તેનાથી ઓછાં કપડાં પેક કરવા કારણકે દરેક જગ્યાએ ધોવાંની તેમજ ઈસ્ત્રી કરાવવાની સગવડ હોય છે.
૧૦. એરોપ્લેનમાં સફર કરવાનાં હો, તો ચાકુ, કાતર, ટોયગન, નેઇલ ક્લીનર, સ્ક્રુ ડ્રાઇવર, સ્વીસનાઈફ, છત્રી જેવી વસ્તુઓ હાથમાં, એટલે કે હેન્ડ બેગમાં કદી ન રાખો, તેને ચેક-ઈન સામાનમાં મૂકવી.
૧૧. જરૂરી દવાઓની કીટ એવી રીતે ગોઠવો કે તકલીફ વખતે તરત જ કામમાં લઇ શકાય.
૧૨. જો બાળકો સાથે મુસાફરી કરવાના હો, તો તેમને માટે કોમિકસ, ચિત્રની તથા વાર્તાની બુક્સ, ગેમ્સ, વોટર બોટલ, બિસ્કીટ જેવી વસ્તુઓ સાથે રાખો જ.
૧૩. મુસાફરીમાં ખાવાની એવી ચીજો રાખો, જે પચવામાં હળવી હોય અને જેનાથી ગંદકી ન ફેલાય.

અધ્ધધ… આટલો બધો સામાન!!ટ્રાવેલ લાઈટ: સામાન જેટલો ઓછો, તેટલી પ્રવાસની મજા વધુ! 

૧૪. મુસાફરીમાં અજાણ્યાએ દીધેલું ખાવું નહીં.
૧૫. મનપસંદ સંગીત, પુસ્તક, ક્રોસવર્ડ પઝલ, સામયિકો અવશ્ય રાખવા કે જેથી વ્યસ્ત રહેવાય.
૧૬. ફ્લાઇટ અને ટ્રેનનો અરાઇવલ અને ડિપાર્ચર ટાઇમ અપડેટ કરી લો, મુસાફરી કરતા પહેલા ફરીથી, ટેલિફોન અથવા એજન્ટ દ્વારા પૂછી લેવો. કેટલીક વાર કોઇક કારણસર તેમાં ફેરફાર થઇ શકે છે.
૧૭. ડોમેસ્ટિક ફ્લાઇટ (ભારતમાં જ મુસાફરી) માટે એક કલાક પહેલાં અને ઇન્ટરનેશનલ (પરદેશ મુસાફરી) માટે ત્રણ કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચી જાઓ.
૧૮. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કોઈને આપવા માટેની ગિફ્ટને પેક કરીને ન લઇ જતા, કસ્ટમ ઓફિસર તેને ખોલીને ચેક કરશે જ.
૧૯. ટિકિટની પાછળ લખેલા નિયમો વાંચો. તે તમને પ્રવાસીઓને લગતા અધિકારો અને જવાબદારીની જાણકારી આપે છે.
૨૦. બધા જ પૈસા એક જ ખિસ્સા અથવા પર્સમાં ન રાખો. બીજી બેગમાં અથવા તમારા અન્ય સાથીને આપી રાખો.

(…to be continued)

સપ્ટેમ્બર 17, 2012 Posted by | ટ્રાવેલ ટિપ્સ | Leave a comment

બાળકો સાથે એરપ્લેન મુસાફરી – ૨

 • બાળકો સાથે એરપ્લેનમાં જવાના હોઈએ, ત્યારે ટિકિટનું બુકિંગ વહેલાસર કરાવી લેવું.
 • મુસાફરી પહેલાંના કેટલોક વખતથી બાળકને તૈયાર કરવું. બાળકને અગાઉથી પ્લેન વિશે, એરપોર્ટ વિશે, જ્યાં જવાના હોઈએ તે સ્થળ વિશે, તેમજ મુસાફરી દરમિયાન મળનાર વ્યક્તિઓ -જેમ કે એરલાઈન કર્મચારી, એરહોસ્ટેસ, સહ-મુસાફરો, વગેરે વિશે જાણકારી આપવી. ચિત્રો વગેરેની મદદથી પણ આ વધુ સારી રીતે સમજાવી શકાય છે.
 • બાળકને મજા પડે તેવી એક બેગ તૈયાર કરી રાખવી, જેમાં તેની ફેવરીટ -મનગમતી વસ્તુઓ પેક કરવી. જ્યારે એરપ્લેન ટેક-ઓફ અને લેન્ડ કરે છે, ત્યારે કાનમાં દબાણ થતાં બાળક રડવા લાગે છે. તે દરમિયાન જો બાળક પીપરમીન્ટ કે લોલીપોપ ચૂસતું હોય, તો કાનમાં દબાણ ઓછું થાય છે. તેથી, ભલે તમે સામાન્યરીતે પીપરમીન્ટ આપવાનો વિરોધ કરતા હો, પણ બેગમાં આ ચીજો અવશ્ય મૂકી રાખવી.
 • પ્રવાસની આગલી રાતે બાળકને બરોબર આરામ કરાવવો.
 • કમ્ફર્ટ કે ફેશન ? બાળકને ફેશનેબલ કપડાં જરૂર પહેરાવો, પરંતુ તે તેને કમ્ફર્ટેબલ -આરામદાયક છે કે નહીં, તેની પૂરતી કાળજી રાખવી. ઉદાહરણ તરીકે, ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરાવવા, વધારે અનુકૂળ રહેશે.
 • પ્રવાસના દિવસે ઘરમાંથી વહેલા નીકળો. એરપોર્ટ પર થોડા વહેલા પહોંચો. બાળકને સફરનો આનંદ લેવા દો. તેને થોડું ચાલવા દો, ફરવા દો, બધું જોવા દો. બીજાં એરપ્લેન ટેક-ઓફ અને લેન્ડ થતાં હોય, તે તેમને કાચની બારીમાંથી જોવા દો. તેમને બધું જાણવા દો. જો તેઓ આ બધું કરી રહેશે, તો તેમને એક અનુભવ માણ્યાનો સંતોષ થશે, તેઓ શાંતિથી બેસી શકશે અને બની શકે કે થાક લાગવાથી ઊંઘી પણ જશે.
 • બની શકે તેટલો સામાન ચેક-ઈન કરાવવો. હાથમાં બહુ જ જરૂરી હોય, તે જ રાખવું. હાથ ખુલ્લા હશે, તો બાળકનું તમે ધ્યાન વધારે સારી રીતે રાખી શકશો.
 • એરપ્લેનની મુસાફરીમાં ઘણી રાહ જોવી પડે છે. જ્યાં સુધી બોર્ડિંગ એનાઉન્સ ન થાય, ત્યાં સુધી, અથવા ચેક-ઈન વખતે, કે સામાન લેવા વખતે રાહ જોવી પડે છે. આવી રાહ જોવાના સમયે કોઈક રમત શોધી કાઢો, કે જેમાં બાળકને ગમ્મત પડે અને કંટાળો ન આવે. રમત કંઈ પણ હોઈ શકે -ઉદાહરણ તરીકે, આ લાઈનમાં લાલ રંગની બેગ કેટલી છે, તે ગણવું, વગેરે વગેરે.
 • જો તમારી સાથે સાથી હોય, તો તેમને તમારો સામાન લઈને એરપ્લેનમાં બોર્ડ થવા દો, તમે બાળક સાથે જ રહો અને તમારા સાથી બોર્ડ થઈ જાય, સામાન ગોઠવી દે, પોતાની સીટ પર ગોઠવાઈ જાય, તે પછી તમે બાળક સાથે બોર્ડ થાઓ.
 • જ્યારે એરપ્લેન ટેક-ઓફ થવા માટે દોડવા લાગે, ત્યારે બાળકને લોલીપોપ ખવડાવી શકાય -કે જેથી કાનમાં થતા પ્રેશર -દબાણથી તેનું ધ્યાન દૂર થઈ જાય.
 • પ્રવાસ પહેલાં એરલાઈનને ફોન કરીને પૂછી જોવું કે બાળકોના રમકડાંઓ માટે કોઈ ખાસ નિયમ છે -ઘણી વખત પ્રવાહી, રમકડાંની બંદૂક, તીક્ષ્ણ ધારવાળા રમકડાં વગેરે માટે સિક્યુરીટી ગાઈડલાઈન્સ હોય, તો આવી વસ્તુઓ પહેલેથી જ ચેક-ઈન સામાનમાં પેક કરી દેવી.
 • રમતો – બાળકને સતત કાર્યરત રાખવા માટે નવી નવી રમતો શોધવી પડશે. એક રમત પૂરી થઈ જાય અને બાળક કંટાળે, પછી જ બીજી રમત રજૂ કરવી, જેથી નવીનતા રહે!
 • બાળકની ઉંમર પ્રમાણે રમત શોધવી : જેમ કે –

– બેઠા બેઠા રમી શકાય એવી સંતાકૂકડી રમી શકાય.
– રંગ અને ક્રેયોન કલરથી પપેટ બનાવી શકાય.
– આઈ સ્પાય… પ્રખ્યાત રમત છે.
– નેમ, પ્લેસ, એનીમલ્સ… જેમકે ‘ક’થી શરૂ થતાં નામ, સ્થળ, પ્રાણીઓ શોધવાં.
– જુદી જુદી ક્વીઝ રમી શકાય .
– વિચિત્ર વસ્તુઓ ગણવી -જેમકે એરપોર્ટ પર ગુલાબી રંગનું શર્ટ કેટલા મુસાફરોએ પહેર્યું છે.
– એરપોર્ટ ઉપર બાથરૂમ ક્યાં છે, કેટલી છે.
– ઉપર જવું, નીચે જવું -એરપોર્ટ પર ક્યાં શું છે, તે શોધવું.

ખાસ તો :

 1. બાળકને પ્રવાસ માટે પહેલેથી જ ‘ઈન્વોલ્વ’ કરવું. તેને તૈયાર કરવું કે ક્યાં જવાનું છે, શા માટે, કોની સાથે, વગેરે વગેરે.
 2. બની શકે તો બાળકને ટ્રાવેલ એજન્ટને ત્યાં પણ લઈ જવું. કોઈ ખાસ વેક્સીનેશન અપાવવાના હોય, તો તેની માહિતી લેવી. બાળકો માટે એરપ્લેનમાં ભોજનની શું વ્યવસ્થા હોય છે, તે જાણવું.
 3. જ્યારે મુસાફરી ન કરવાના હો, ત્યારે કોઈ એક વાર, મુલાકાત માટે, બાળકને એરપોર્ટ બતાવવા લઈ જવું -તેને બતાવવું કે એરપ્લેનના મુસાફરો શું કરતા હોય છે, લાઈનમાં શા માટે ઊભા રહેવાનું હોય છે, ક્યાં શું થઈ રહ્યું હોય છે, વગેરે. બની શકે તો તેમની આ મુલાકાત વિશે તેમને લખવાનું કહો. અ અ અનુભવથી તેમનામાં પ્રવાસ કરવાની ઈંતેજારી જરૂર આવશે.
 4. ખાસ પોષાક. મુસાફરી માટે બાળકને ખાસ પોષાક પહેરવા આપવો, જે તેને મનપસંદ હોય, જેનું તેને આકર્ષણ હોય. જેમ કે, સુપરમેન નો પોષાક. પ્રવાસ વિશિષ્ટ હોય છે, તેવી બાળકને અનુભૂતિ થવા દો.
 5. બાળકને બહુ ખાંડવાળા નાસ્તા ન આપવા. બની શકે તો સાથે ગાજર, દ્રાક્ષ, બિસ્કીટ, પૌષ્ટિક નાસ્તા રાખવાં.

 

આશા રાખીએ છીએ કે આપ સૌ પણ આપના અનુભવો ‘શેર’ કરશો !

 

 

મે 8, 2012 Posted by | ટ્રાવેલ ટિપ્સ, પ્રવાસ અને બાળક | , , , | 1 ટીકા

બાળકો સાથે એરપ્લેન મુસાફરી – ૧

દ્રશ્ય એક – અમદાવાદથી મુંબઈ જતું અમારું એરપ્લેન ઉપડ્યું ને તે સાથે જ નાનાં બાળકોની રડારોળ ચાલુ થઈ ગઈ! મારાં કેટલાંક સહપ્રવાસીઓનો મિજાજ બગડી ગયો, કેટલાંક મનોમન માબાપોને કોસવા લાગ્યાં તો કેટલાંક બાળકોને ! બિચારી એરહોસ્ટેસ પણ દોડાદોડ કરવા લાગી – કંઈ કેટલાંય રમકડાં વગેરે લઈ આવી હતી – પણ વ્યર્થ ! એમાંના કેટલાંક બાળકો  શાંત થયાં પણ કેટલાંકે તો રીતસરનો ભેંકડો જ તાણ્યો ! મમ્મીઓ  હાંફળી-ફાંફળી થઈ ગઈ, શું કરવું તેની તેમને પણ સમજ નહતી પડતી. તેમની સાથે આવેલા પતિમહાશયોમાંના કેટલાંક તો કાનમાં રૂનાં પૂમડાં નાંખીને ઊંઘી જ ગયા હતા – જાણે બાળકને છાનું રાખવાની સંપૂર્ણ જવાબદારી માત્ર પેલી બિચારી સ્ત્રીને માથે જ હતી! જોકે કેટલાંક પતિઓ નોખા હતા, તેઓ ધેર્યથી બાળકને રમાડવામાં, છાનું રાખવામાં તેમની પત્નીને મદદ કરતા હતા. તેમના પર મને માન થયું.તેમ છતાં, સંખ્યાબંધ બાળકોની આ રડારોળની વચ્ચે અમને સૌ પ્રવાસીઓને થતું હતું કે ક્યારે આ પ્રવાસ પૂરો થાય….

દ્રશ્ય બે – મુંબઈથી શિકાગો જતું અમારું એરપ્લેન ઉપડ્યું ને મારી નજર સૌથી પહેલી નાનાં નાનાં બાળકો સાથે પ્રવાસ કરી રહેલા મુસાફરો પર પડી. મને થયું, હમણાં રડારોળનો દોર ચાલુ થશે અને આ લાંબી મુસાફરીમાં તો બિચારા બાળકો અને તેમના માબાપો અકળાઈ જશે. ખરેખર નાના બાળકો સાથે પ્રવાસ કરવાની હિંમત જોઈએ! આ વિચારોમાં એરપ્લેન તો ઉપડી ગયું અને ‘સીટ-બેલ્ટ’ની સ્વીચ બંધ પણ થઈ. ‘એકસક્યુઝમી’ કહેતી એક મહિલા તેની નાનકડી બાળકીને લઈને આવી, ‘શું હું તમારી જોડેની ખાલી સીટમાં બેસી શકું?’ મેં હા પાડી. ‘થેન્ક્સ’ કહીને તેણે બાળકીને પોતાના ખોળામાં બેસાડી અને પોતાની બેગમાંથી કાઢીને એક કેળુ ખવડાવ્યું. બાળકી ખુશ હતી અને આનંદથી રમવા લાગી. પછી તેની મમ્મીએ આજુબાજુના સૌ સાથે બાળકીની ઓળખાણ કરાવી, ‘બેટા આન્ટીને હલો કરવાનું… અન્કલને થેન્કયુ કહેવાનું…’ અમે સૌ પ્રવાસીઓ પણ મન મૂકીને તેની સાથે ગમ્મતમાં પરોવાયાં. એમ કરતાં ધીમે ધીમે અમારી આ લાંબી મુસાફરી ક્યાં પૂરી થઈ ગઈ, તેની ખબર પણ ન પડી….

તો, મને બાળકો સાથે એરપ્લેન મુસાફરી કરવા વિશે વિચારવા જેવું લાગ્યું. થોડું વિચાર્યું, થોડું વાંચ્યું. કેટલાંકનાં અનુભવો સાંભળ્યા, કેટલાંકની ટિપ્સ લીધી. તે બધું અહીં રજૂ કરું છું – આશા છે આ માહિતી ઉપયોગી નીવડે. અને હા, તમારા વિચારો, અનુભવો અને ટિપ્સ તો ખાસ મૂકજો, કે જેથી ભવિષ્યના પ્રવાસીઓને તેમજ પ્રવાસી બાળકોને ‘પ્રવાસ’નો આનંદ મળે.

…to be continued

એપ્રિલ 23, 2012 Posted by | ટ્રાવેલ ટિપ્સ, પ્રવાસ અને બાળક | , , , | Leave a comment

બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર

કાળિયાર

Black Bucks in Gujarat?

હા જી. શું તમને નવાઈ લાગી?

બ્લેક બક એટલે કાળિયાર, ખૂબ સુંદર પ્રકારનું હરણ. તેને માથે કાળા, વાંકાચૂકા શિંગડા હોય. લાંબા, ટ્વીસ્ટ થયેલાં શિંગડાં, એ કાળિયારની આગવી ઓળખ છે. જોકે આ વર્ણન માત્ર નર પ્રકારનું છે. માદા હરણ તો આછા બદામી રંગનું હોય છે અને તેને માથે કોઈ શિંગડા નથી હોતા.

જ્યારે અમે ગુજરાતના વેળાવદર ખાતે આવેલા વનવિભાગના આ અભયારણ -બ્લેક બક નેશનલ પાર્ક – ખાતે પહોંચ્યા અને અમારી નજર આ સુંદર કાળિયાર પર પડી, ત્યારે અમને પણ મનમાં થયું કે આવા સુંદર હરણને પાસે બોલાવીને તેના પર પ્રેમથી હાથ ફેરવીએ… રામ સાથે વનવાસ ગયેલા સીતાજીની જેમ જ! જોકે જૂના રજવાડાઓમાં કાળિયારનો શિકાર કરવાનો શોખ ઘણો હતો.

વેળાવદર (ભાવનગર જિલ્લો) અમદાવાદથી લગભગ દોઢસો  કિ.મી. દૂર, એટલે કે કારમાં મુસાફરી કરતાં બે-અઢી કલાક થાય, તો બસ દ્વારા કદાચ ત્રણ કલાક થાય. રસ્તો સુંદર, પહોળો છે.  ભાવનગરથી જઈએ, તો  સિત્તેર કિ.મી.માં વેળાવદર પહોંચી જવાય. વેળાવદરથી સૌથી નજીકનું ગામ, વલ્લભીપુર છે. વલ્લભીપુરનું સ્વામીનારાયણનું મંદિર પ્રખ્યાત છે.

ગુજરાતના ગામમાંથી પસાર થતા...

ગામનું દ્રશ્ય

ગામનું દ્રશ્ય..

    ગુજરાતના ગામોમાંથી પસાર થઈએ, ગામમાં ઊભા રહીએ, લોકોને મળીએ, વાતો કરીએ, ઘડીક રોકાઈએ, ત્યારે જ ગુજરાત જોયું કહેવાય ને! રસ્તા વચ્ચે ચા-નાસ્તો કરવાની, રોકાવાની મઝા છે.

ધોળકાના પ્રખ્યાત લાલ જામફળ !

ધોળકાના પ્રખ્યાત લાલ જામફળ !
વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક

વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક

વનવિભાગના નેશનલ પાર્કમાં ‘સફારી’ કરવા માટે પહેલાં ટિકીટ ખરીદવી પડે છે. પ્રવેશ ફી, વાહન ફી, ગાઈડ ફી તેમજ ફિલ્મીંગ-ફોટોગ્રાફી ફી આપવાની હોય છે. ‘સફારી’માં જાઓ તો માથે ટોપી, અને આંખે કાળા ચશ્મા પહેરવા. શોખીનોને દૂરબીન, કેમેરા વગેરે તો જોઈએ જ. બપોરે ત્રણ વાગે પાર્કમાં જઈ શકાય, જેથી સાંજે અંધારું થાય તે પહેલાં પાછા ફરી શકાય. સવારે વહેલા પણ જઈ શકાય કે જેથી તાપ થાય તે પહેલાં પાછા આવી શકાય.

પાર્કમાં કાળિયાર તેમજ નીલગાય, વરુ અને અસંખ્ય પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓ જોવાના શોખીનોએ સાથે સંદર્ભ પુસ્તક રાખવું, જેથી તેને જોઈને ઓળખી શકાય. પાર્કના એક વિસ્તારમાં વેટલેન્ડ છે. પાણીનું તળાવ અને  ઘાસની જમીન – જેને કારણે (નવેમ્બરથી માર્ચ દરમિયાન) ખૂબ પક્ષીઓ આવે છે અને તેને જોવાનો લ્હાવો અદભુત છે.

વેળાવદર પ્રવાસ માટે, સવારે જઈને સાંજે અમદાવાદ પરત આવી શકાય. પરંતુ રાત્રિ રોકાણથી પ્રવાસનો આનંદ વધુ આવે છે.

વનવગડાની સાંજનું દ્રશ્ય

વનવગડાની સાંજનું દ્રશ્ય

રાત્રિ રોકાણ માટે વેળાવદરની ‘બ્લેક બક લૉજ’ અતિ આધુનિક સગવડો ધરાવે છે, ભોજન વગેરે ગુણવત્તાવાળું મળે છે. વળી પાર્કની સાવ નજીક પણ છે. જોકે કંઈક ખર્ચાળ ખરી -તો ભાવનગર ખાતે પણ રોકાઈ શકાય અથવા વેળાવદર ગામમાં પણ વનવિભાગે સગવડ ઊભી કરી છે.

વર્ષો પહેલાં, શાળામાં એક વાર્તા વાંચી હતી – વાંકડિયા શિંગડાવાળા હરણની વાર્તા. એક હરણ તેના સુંદર વાંકડિયા શિંગડાના વખાણ કરતાં થાકતું જ નહતું. તે એટલું અભિમાની થઈ ગયું હતું કે પોતાની જાતનું પ્રતિબિંબ  કલાકો સુધી તળાવમાં જોયા જ કરતું અને જે કોઈ પ્રાણી આવે તેની સમક્ષ પોતાના સૌંદર્યનું વર્ણન કર્યા જ કરતું. એક દિવસ અન્ય પ્રાણીઓ સાથે તે તળાવમાં પોતાના રૂપના વખાણ કરતું હતું, ત્યારે વાઘની ત્રાડ સંભળાઈ -બીજાં હરણાં અને પ્રાણીઓએ ભાગાભાગ કરી મૂકી અને સૌ ત્યાંથી નાસી છૂટ્યા. પણ વાંકડિયા શિંગડાવાળું હરણ તો પોતાના રૂપનું પ્રતિબિંબ જોવામાં મશગુલ હતું. જ્યારે વાઘ ખૂબ નજીક આવ્યો, ત્યારે તેણે ભાગવાનો  પ્રયત્ન કર્યો પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. નાસભાગ કરવામાં તેનાં વાંકડિયા શિંગડા ઝાંખરામાં ભરાઈ ગયાં. તેણે ખૂબ મથામણ કરી પણ શિંગડા ઝાડીમાં વધારે ગૂંચવાતાં ગયાં. મોત માથે હતું ત્યારે તેને તેના રૂપ પ્રત્યે,  શિંગડા પ્રત્યે નફરત થઈ અને હવે સાચું જ્ઞાન લાધ્યું. એવામાં વાઘે છલાંગ મારી અને બિચારું હરણ રામશરણ થઈ ગયું. જોકે આ બોધકથા છે.

માર્ચ 16, 2012 Posted by | ગુજરાત, ભારત | , , , , | Leave a comment

હિમાલયનું સૌંદર્ય

હિમાલયનું સૌંદર્ય, પહેલગામ - કાશ્મીર
હિમાલયનું સૌંદર્ય, પહેલગામ – કાશ્મીર

કુદરતનો  વિશાળ વૈભવ જોઈ હું દિગ્મૂઢ થઈ ગયો અને ગાવા લાગ્યો…. राम दयाधना. क्षमा करुनि मज पाही…. સાચે જ નકામું જીવન ગાળીને મેં માને ભારે મારી હતી. જનની જ નહીં, પણ જન્મભૂમિને પણ. મારા પાછલા જીવન ઉપર મનમાં તિરસ્કાર ઊપડ્યો.

અજ્ઞાનને લીધે હું વિદ્વત્તાની શેખી મારતો; પોતે અંધકારમાં રહ્યો રહ્યો લોકો આગળ પ્રકાશની વાતો કરતો. મેં ભજન આગળ ચલાવ્યું : करुणासागरा । राघवा मधुराजा ।

ભજનની ધૂન લાગી. હું ઊંચે સાદે લલકારતો હતો, હવે લીટી આવી… सच्चित्सुख तो तू परब्रह्म केवल… સામે પહાડે એકાએક ગર્જના કરી : सच्चित्सुख तो तू परब्रह्म केवल…

હિમાલયની તે મેઘગંભીર ગર્જના મને તો અશરીરિણી વાણી લાગી. સાચે જ હું સચ્ચિત્સુખાત્મક પરબ્રહ્મ છું એ વસ્તુને હું ભૂલી જાઉં છું તેથી પામર બનું છું. જુઓ, આ ધીરગંભીર હિમાલય કેવો સચ્ચિત્સુખની સમાધિ ભોગવી રહ્યો છે ! જુઓ સામેનો બરફ. એને ઉનાળોયે સરખો અને શિયાળોયે સરખો. જુઓ આ વિશાળ આકાશ. કેટલું શાંત અને અલિપ્ત ! શું એથી હું અળગો છું ?

 

– કાકાસાહેબ કાલેલકરના ‘પ્રવાસવર્ણન’-માંથી

ફેબ્રુવારી 10, 2011 Posted by | કાશ્મીર, ભારત, લેખો | , , , | Leave a comment

કેપીટોલીની મ્યુઝિયમ, રોમ

રોમમાં ફરવાની શરૂઆત અમે મ્યુઝિયમથી કરી.

રોમમાં કેપીટોલીન હીલ પર ‘પીઆઝા ડે કેમ્પીડોગ્લીઓ’ નામના સ્થળ પર કેપીટોલીની મ્યુઝિયમ આવેલું છે. ઈટાલીમાં ‘પીઆઝા’ એટલે place એટલે કે જેને ગુજરાતીમાં આપણે એક મોટો ચોક કહી શકીએ.

કેપીટોલીની મ્યુઝિયમ કળાકૃતિઓ, ચિત્રો, શિલ્પો વગેરેનો મોટો સંગ્રહસ્થાન છે. મ્યુઝિયમનો ઈતિહાસ પાંચસો કે તેથી વધુ વર્ષ જૂનો છે. પંદરમી સદીમાં તે સમયના પોપે રોમ શહેરને, મહત્ત્વની અને અતિ પ્રાચીન કળાકૃતિઓનો એક મોટો સંગ્રહ આપ્યો, જેને સાચવવા માટે એક મ્યુઝિયમની જરૂર જણાઈ. આ કલાકૃતિઓમાં વર્ષોવર્ષ ઉમેરો થતો ગયો અને પ્રાચીન રોમન મૂર્તિઓ, ‘બ્રોન્ઝ’, પ્રાચીન લખાણ-દસ્તાવેજો, ઝવેરાત, જેવી અનેક ચીજો તેમાં ઉમેરાતી ગઈ.

પીઆઝા ડે કેમ્પીડોગ્લીઓ, કેપીટોલીની મ્યુઝિયમ, રોમ

સાહેબ અમને સૌને ઈતિહાસ સમજાવતાં રહ્યાં. ‘પીઆઝા ડે કેમ્પીડોગ્લીઓ’નો ચોક અદભુત છે -તેના પગથિયા અને ‘સ્ટાર’ -તારા- જેવી ડિઝાઈન છે, જે પ્રખ્યાત માઈકોલએન્જેલો એ બનાવી છે. જ્યારે અમે પગથિયા પર ઊભા હતા, ત્યારે આશ્ચર્ય, અહોભાવ અને પ્રશંસાની લાગણીઓ અમારા મનમાં ધસી રહી. આ સ્થળે અઢી-ત્રણ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ રહેલી છે, તે જાણીને અમને રોમાંચક અનુભવ થયો. રોમનું આ જૂનામાં જૂનું બાંધકામ છે. બરોબર વચ્ચે મ્યુનીસીપલ બીલ્ડીંગ છે, એક બાજુએ જ્યુપીટર ટેમ્પલ છે અને બીજી બાજુએ મ્યુઝિયમ આવેલું છે. અહીં લગભગ ત્રીસ લાખ જેટલાં મહત્ત્વનાં, ઐતિહાસિક દસ્તાવેજો સંઘરાયેલાં છે -તે જાણીને અમને ‘અધધધ…’ થઈ ગયું! માઈકોલએન્જેલોની ડિઝાઈન બેનમૂન છે. ચોકની વચ્ચે પહેલી સદીમાં થઈ ગયેલા રોમન શહેનશાહ માર્કસ ઓરેલીયસની અદભુત મૂર્તિ મૂકેલી છે.

મ્યુઝિયમ દરરોજ સવારે સાડા નવે  (સોમવાર સિવાય) ખુલી જતું હતું અને સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું, તેથી આખો દિવસ તમે શાંતિથી કૃતિઓ નિહાળી શકો. અઢાર વર્ષથી ઓછી ઉંમરના કે પાંસઠ વર્ષથી વધુ વયનાં ઈટાલીયન નાગરિકો માટે ટિકીટ લેવાની જરૂર નથી હોતી. જોકે આવી બેનમૂન કૃતિઓ જોવા માટે નજીવો ખર્ચ ભોગવવો કંઈ વધુ ન કહેવાય.

મ્યુઝિયમમાં દાખલ થાઓ, ત્યાં રોમન દેવી ‘ગોડેસ મિનેરવા’નું પાંચમી સદી BC- ની કૃતિ ઊભેલી હતી. અહીં સંઘરાયેલા મોટા ભાગનાં શિલ્પો ‘ક્લાસીકલ એજ’ના છે. આરસપહાણમાંથી ઘડાયેલું ‘માર્સ’નું શિલ્પ એટલું તો ઝીણવટથી ઘડાયેલું છે કે તેના ચંપલ, ડ્રેસ, વગેરેની ઝીણી, નાજુક રેખાઓ પણ અદભુત રીતે ઉપસેલી દેખાય છે.

સાબિન વોર નું ચિત્ર (1636-40)

શિલ્પો અને અનેક ચિત્રો જોઈને અમે દંગ જ રહી ગયાં! સાબિન વોરનું ચિત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. સાહેબે અમને આ ચિત્રનો અર્થ અને ઈતિહાસ જણાવ્યો. આ ચિત્રો ‘ફ્રેસ્કો’ કહેવાય છે. તે લોકો પ્લાસ્ટરમાં રંગ, પાણી મિશ્રિત કરીને ખાસ ‘ટેકનીક’ દ્વારા બનાવતા હતાં. અમે ઘણાં ચિત્રો જોયાં. કાવાલીયર આર્પિનોનું પ્રખ્યાત ‘રેપ ઓફ સાબિન’  હતું, જસ્ટીસ ઓફ બ્રુટસ (496 BC) હતું, 1569ના ચિત્રો જોવાં અમે હોલ ઓફ ટ્રિઓમ્ફમાં ગયા, જ્યાં અનેક ‘ફ્રેસ્કો’ fresco ચિત્રો હતાં.

બીજી અગત્યની કૃતિ હતી, ‘શી-વુલ્ફ’નું બ્રોન્ઝ શિલ્પ. શી-વુલ્ફ એ રોમ શહેરનું પ્રતીક ગણાય છે, ઘણાં પ્રવાસી મેગેઝીનોમાં તેનો રોમના પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રોમ્યુલસ અને રેમસ નામનાં જોડિયાં -ટ્વીન્સની ગાથાનું આ પ્રતીક છે. ચિત્રો વગેરે જોયાં પછી અમે પલાઝો નુઓવામાં રાખવામાં આવેલા ઘણાં બસ્ટ્સ (શિલ્પ-ધડ) અને શિલ્પો જોવાં ગયાં. પલાઝો નુઓવા, 1734માં સૌ પ્રથમ  વાર ‘એક્ઝીબીશન સેન્ટર’ બન્યું હતું.

સાહેબે જણાવ્યું કે રસ પડે, તો અઢારમી સદીના ઈતિહાસકાર એડવર્ડ ગિબનનું  ‘ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ રોમન એમ્પાયર’ નામનું પુસ્તક ખરેખર વાંચવાલાયક છે.

મ્યુઝિયમની ટુર પૂરી કરીને અમે રોમન ફોરમ તરફ જવા નીકળ્યા.

ફેબ્રુવારી 9, 2011 Posted by | ઈટાલી, પરદેશ, યુરોપ, રોમ | , , , , | Leave a comment

કઠમંડુ, નેપાળ

દિલ્હીમાં, અમે મિત્રો સાથે દિલ્હીની પ્રખ્યાત આલુ ટિક્કીની મજા માણી રહ્યા હતાં. હજી સમય હતો, ‘એક ઔર હો જાયે…’ ગરમાગરમ ટિક્કીનો સ્વાદ જ અનેરો હતો! અમારી રોયલ નેપાલ એરલાઈન્સની દિલ્હીથી કાઠમાંડો  જતી  ફ્લાઈટ સવારે સાડા અગિયારે ઉપડવાની હતી. દિલ્હીના ગજબના ટ્રાફિકમાં ફસાઈ ગયા પછી એરપોર્ટ પહોંચ્યા, ત્યારે સાડા દસ તો વાગી જ ગયા હતા. (તે જમાનામાં ફ્લાઈટ ઉપડવાના કલાક પહેલા પહોંચી શકાતું હતું.)

અમે રોયલ નેપાલ એરલાઈન્સના કાઉન્ટર પર પહોંચ્યા. ‘હાશ… કોઈ લાઈન જ નથી’ એવું વિચારતા હતા, તેવામાં જ એક કર્મચારીએ બૂમ પાડી, ‘RA 206 ફોર કાઠમાંડો?’ ..છેક ત્યારે અમે મોનિટર પર ‘RA 206 for KTM -LAST CALL’ અને ‘Departing at 10.45 am’ ઝબકતું જોયું. અમારી હવા જ નીકળી ગઈ! “ઓહમાયગોડ…” શું આ લોકોએ સમય બદલ્યો ને અમને જાણ પણ ન થઈ? કેમ, શું, એવું વિચારવાનો તો સમય જ ક્યાં હતો! ઘણી રકઝક પછી કર્મચારીએ અમારી ટિકીટો લીધી અને ‘હજી સામાન સ્ક્રીનીંગ પણ નથી કરાવ્યો ..?’ કંઈ સૂઝતું જ નહતું. દોડતાં દોડતાં અમે સામાન સ્ક્રીનીંગ કરાવ્યો. એરપોર્ટ પર અમે આમથી તેમ… તેમથી આમ… દોડાદોડ કરી મૂકી. ભાગાભાગ પછી, ચેક-ઈન થઈ ગયાં, બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ લઈને અમે ‘ઈમીગ્રેશન’માં ગયા, તો ઓફિસરે માથું ધુણાવ્યું અને આટલાં મોડા હોવાથી અમને લેવાની ના પાડી. મને મનોમન મારી ઉપર જ ગુસ્સો આવ્યો, ટિક્કી ખાવા ન રોકાયા હોત તો … પછી ઓફિસરની માફી માંગી, વળી અમારા જૂથમાં ટાબરિયાં જોઈને કદાચ દિલ પીગળ્યું અને ફાઈનલી… છેવટે, અમે ફ્લાઈટમાં બોર્ડ થઈ ગયાં ત્યારે બીજાં સાથી પેસેન્જરોની આંખોમાંથી ગુસ્સો અમારા પર ઠલવાતો હતો. ‘સોરી’ કહેતાં શરમ પણ આવી.

કઠમંડુ દુનિયાનું સુંદર શહેર છે -કંઈક અલગ, કંઈક બેનમૂન. હિમાલયની ખીણમાં તે પથરાયેલું છે. એરપોર્ટથી શહેર જવાનો રસ્તો રળિયામણો હતો. દિવસ સરસ હતો, હિમાલયન રેન્જ ચોખ્ખી દેખાતી હતી. કઠમંડુમાં ઉતર્યા પછી કોઈવાર ભારતમાં હો એવી લાગણી અનુભવાય, પણ ના, જરાય નહીં. કારણકે આ શહેરમાં ભારતીયતાની તો અસર છે જ, પણ સાથે સાથે ચાઈનીઝ અસર પણ જણાઈ. શહેરના કેટલાંક માર્ગો પણ ચાઈનીઝ ગવર્મેન્ટે બનાવ્યાં છે, તેવું સાંભળ્યું. અમે ‘ધ રોયલ પેલેસ’ -રાજાના મહેલ પાસેથી પસાર થયા પણ પ્રવાસીઓ માટે અંદર જવાની મનાઈ હતી.

ચારેબાજુ પ્રવાસી ઓ જ પ્રવાસીઓ – તેમાંના મોટાભાગનાં ‘ટ્રેકીંગ’ કરવા આવ્યા હતા. કઠમંડુ ‘બેઝ’ છે અને અહીંથી જાતજાતના ‘ટ્રેક’ પર જવાય છે – માઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હોય, તો પણ અહીં જ આવવું પડે. તેથી ‘ટુરિઝમ’નું બધું ચારેતરફ દેખાતું હતું – ટ્રાવેલ ઓફિસો, માહિતીકેન્દ્રો, રેસ્ટોરેન્ટ્સ, દુનિયાભરની વાનગીઓ પીરસતી રેસ્ટોરેન્ટસ, દુકાનો, ચીજ-વસ્તુઓ વગેરે.

પશુપતિનાથનું મંદિર

હજારો વર્ષ જૂનું પશુપતિનાથનું મંદિર જોઈને ખૂબ ભાવ આવ્યો. માત્ર હિંદુઓ જ અંદર જઈ શકતા હતા. અમે દર્શન કર્યા અને પરિક્રમા કરી.
પછી અમે સ્તૂપ જોવા ગયા અને નારાયણ ટેમ્પલ જોવા ગયા, જે શહેરથી દસ-પંદર કિલોમીટર દૂર હતું. અહીં વિષ્ણુ ભગવાનની મૂળ -સૂતેલા વિષ્ણુની મૂર્તિ છે. કઠમંડુમાં ઘણાં બધાં પ્રાચીન મંદિરો છે. જોકે અમે બધાં જ મંદિરો જોવા ન ગયા. તે સાંજે અમે નેપાલી નૃત્યકારોને માણ્યાં.

‘એડવેન્ચર’ માટે ઘણાં સાહસિકો અહીં આવે છે. સાહસિકો માટે ટ્રેકીંગ, રાફ્ટિંગ વગેરે ઘણું બધું હોય છે. અમે રાફ્ટિંગ કર્યું હતું. અહીંનો પ્રવાહ -રેપીડ્સ- ઝડપી તો હોય છે પણ રસ્તો પણ લાંબો હોય છે.

ફેબ્રુવારી 7, 2011 Posted by | નેપાળ, પરદેશ | , , | Leave a comment

મોટરમાર્ગે મુસાફરી – હાઈવે

મોટરમાર્ગે મુસાફરી કરવા માટે આપણે પહેલાં માર્ગ વિશે જાણીએ.

‘હાઈવે’ એટલે શું? દેશના બે અથવા તેનાથી વધારે શહેરોને જોડતો મોટો, જાહેર માર્ગ એટલે ‘હાઈવે’. આવા જુદા જુદા હાઈવેને એકબીજા સાથે જોડી દેવા, તેને ‘હાઈવે સિસ્ટમ’ અથવા ‘હાઈવે નેટવર્ક’ કહે છે. દરેક દેશની પોતાની અલગ રાષ્ટ્રીય હાઈવે સિસ્ટમ હોય છે. મોટાભાગના હાઈવેની સંભાળ તે દેશની સરકાર રાખે છે.

દુનિયાનું સૌથી મોટું હાઈવેનું નેટવર્ક યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુ.એસ.એ.)માં છે. દુનિયાનું સૌથી જૂનું (૧૯૩૨) હાઈવે નેટવર્ક જર્મનીમાં છે, જે ઓટોબાન તરીકે જાણીતું છે. પાન-અમેરિકન હાઈવે (સૌથી લાંબો) અથવા યુરોપિયન રૂટ્સ નામનાં હાઈવે એક કરતાં વધારે દેશોમાં જોડાયેલાં છે, તો કેટલાંક હાઈવેમાં ફેરી (હોડી દ્વારા) સર્વિસ પણ હોય છે -જેમકે લેક મિશિગન જતો યુ.એસ.રૂટ ૧૦.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે

દરેક દેશના હાઈવે જુદા જુદા નામથી ઓળખાય છે. અમેરિકા, કેનેડામાં ફ્રીવે પ્રખ્યાત છે. ‘ફ્રીવે’ એટલે ટ્રાફિકમાંથી ‘ફ્રી’ (મુક્ત) થવું તો ખરું જ, પણ મોટેભાગે ત્યાંથી પસાર થવા ટોલ રકમ ભરવાની હોતી નથી. આ રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હોવાથી અને માર્ગ ઘણો બહોળો હોવાથી ખૂબ ઝડપથી જઈ શકાય છે. જોકે દરેક દેશના કાયદા-કાનૂન પ્રમાણે ગતિ-મર્યાદા તો હોય છે જ (સ્પીડ-લીમીટ) અને જો તેનો ભંગ કરો, તો કેટલાંક દેશોમાં છૂપા કેમેરા દ્વારા તમને ઝડપી પણ લેવામાં આવે છે! જર્મનીમાંના ઓટોબાન માર્ગ પર કોઈ ગતિ-મર્યાદા ન હોવાથી, તેના પરની સફર રોમાંચક પણ એટલી જ ખતરનાક હોય છે. જુદા જુદા દેશોમાં આ માર્ગો હાઈવે, નેશનલ હાઈવે, એક્સપ્રેસવે, ફ્રી-વે, મોટરવે, ઓટોબાન, ઓટોરૂટ, ઈન્ટરસ્ટેટ હાઈવે, વગેરે નામથી ઓળખાય છે.

ભારતમાં આ માર્ગોને આપણે ‘નેશનલ હાઈવે’ તેમજ ‘એક્સપ્રેસવે’ કહીએ છીએ.

ફેબ્રુવારી 7, 2011 Posted by | લેખો | , , , | Leave a comment

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ – ૨

અમેરિકા ભણવા માટે જતા વિદ્યાર્થીઓ (અથવા સામાન્ય પ્રવાસીઓ) માટે શિષ્ટાચાર વિશે કેટલીક વધારે ટિપ્સ : (continued)

* અમેરિકામાં ટેક્સી ડ્રાઈવરોને, વેઈટરોને, વાળ કાપનારાઓને વગેરેને ટિપ -બક્ષિસ આપવી, એ સામાન્ય શિષ્ટાચાર છે.

* ગ્રોસરી સ્ટોરમાંથી કાર્ટ ભરીને ખરીદી કર્યા પછી, કાર્ટને ઘેર ન ઢસડી લાવવું. ખરીદી કર્યા પછી, તેને સ્ટોરમાં પાછું મૂકવું.

* મોટા ભાગનાં સ્ટોરમાં ખરીદેલી વસ્તુ પાછી લેતા હોય છે -તેનો દુરુપયોગ ન કરવો! જેમકે કેમેરા વાપરીને પાછો ન આપવો.

* સામેની વ્યક્તિને તે કેટલું કમાય છે, તેવાં અંગત પ્રશ્નો ન પૂછવાં. અમેરિકનોને તેમની સ્વતંત્રતા ખૂબ પ્રિય હોય છે. વધારે પડતું કુતૂહલ ન દર્શાવવું.

* કોઈની સાથે વાત કરતી વખતે થોડાં દૂર -હાથછેટે- ઊભાં રહેવું. કોઈની લગોલગ અડીને ઊભા રહીને વાત ન કરવી. દરેકની પોતાની ‘સ્પેસ’ને માન આપવું.

* રેસ્ટરૂમ (બાથરૂમ)માંથી બહાર આવતા પહેલાં હાથ અવશ્ય ધોવાં.

* કચરો ગમે ત્યાં ન નાંખવો. અમેરિકામાં બધે જ, ઘણી બધી કચરાપેટીઓ મૂકવામાં આવે છે, તેનો ઉપયોગ કરવો. જમીન પર કચરો ફેંકીને જતા ન રહેવું.

* પરીક્ષા વખતે ગેરકાનૂની વર્તન ન કરવું. કોઈના અસાઈન્મેન્ટમાંથી કોપી ન કરી નાખવું! જો પકડાઈ જશો, તો ભારતીયોનું નામ ખરાબ થશે અને તમારા પર તો ઘણી વીતશે. અમેરિકનો પ્રમાણિકતાને પૂજે છે. સિસ્ટમને છેતરવાનો પ્રયાસ ન જ કરતા.

* બધાં સાથે હળીમળી જવાનો પ્રયત્ન કરવો -‘હું ભારતીય, હું ભારતીય’, કરીને પોતાની જાતને અળગી ન રાખવી. અહીં ભાતભાતનાં દેશોમાંથી લોકો આવે છે,
તે સૌને સહન કરતાં શીખવાનું છે.

* તમારા મૂલ્યો અને નીતિનિયમોથી બીજાને તોલવાનો પ્રયત્ન ન કરવો. જેમની સાથે રહેતા હો તેમની આખો દિવસ ફ રિયાદ ન કર્યા કરો. તમારે તમારી
પરંપરા પ્રમાણે જે કરવું હોય, તે કરવાની તમને છૂટ હોય છે.

* અંતે, ખૂબ મજા કરજો! તમારા સ્વપ્નો પૂરા કરવા તમે અમેરિકા આવ્યા છો. તો ખૂબ પરિશ્રમ કરો, તેમજ મસ્તી-મોજથી જીવો!

 

ફેબ્રુવારી 5, 2011 Posted by | ટ્રાવેલ ટિપ્સ, નોર્થ અમેરિકા (યુ.એસ.એ.), પરદેશ | , | Leave a comment