ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

મોટરમાર્ગે મુસાફરી – હાઈવે

મોટરમાર્ગે મુસાફરી કરવા માટે આપણે પહેલાં માર્ગ વિશે જાણીએ.

‘હાઈવે’ એટલે શું? દેશના બે અથવા તેનાથી વધારે શહેરોને જોડતો મોટો, જાહેર માર્ગ એટલે ‘હાઈવે’. આવા જુદા જુદા હાઈવેને એકબીજા સાથે જોડી દેવા, તેને ‘હાઈવે સિસ્ટમ’ અથવા ‘હાઈવે નેટવર્ક’ કહે છે. દરેક દેશની પોતાની અલગ રાષ્ટ્રીય હાઈવે સિસ્ટમ હોય છે. મોટાભાગના હાઈવેની સંભાળ તે દેશની સરકાર રાખે છે.

દુનિયાનું સૌથી મોટું હાઈવેનું નેટવર્ક યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુ.એસ.એ.)માં છે. દુનિયાનું સૌથી જૂનું (૧૯૩૨) હાઈવે નેટવર્ક જર્મનીમાં છે, જે ઓટોબાન તરીકે જાણીતું છે. પાન-અમેરિકન હાઈવે (સૌથી લાંબો) અથવા યુરોપિયન રૂટ્સ નામનાં હાઈવે એક કરતાં વધારે દેશોમાં જોડાયેલાં છે, તો કેટલાંક હાઈવેમાં ફેરી (હોડી દ્વારા) સર્વિસ પણ હોય છે -જેમકે લેક મિશિગન જતો યુ.એસ.રૂટ ૧૦.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે

દરેક દેશના હાઈવે જુદા જુદા નામથી ઓળખાય છે. અમેરિકા, કેનેડામાં ફ્રીવે પ્રખ્યાત છે. ‘ફ્રીવે’ એટલે ટ્રાફિકમાંથી ‘ફ્રી’ (મુક્ત) થવું તો ખરું જ, પણ મોટેભાગે ત્યાંથી પસાર થવા ટોલ રકમ ભરવાની હોતી નથી. આ રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હોવાથી અને માર્ગ ઘણો બહોળો હોવાથી ખૂબ ઝડપથી જઈ શકાય છે. જોકે દરેક દેશના કાયદા-કાનૂન પ્રમાણે ગતિ-મર્યાદા તો હોય છે જ (સ્પીડ-લીમીટ) અને જો તેનો ભંગ કરો, તો કેટલાંક દેશોમાં છૂપા કેમેરા દ્વારા તમને ઝડપી પણ લેવામાં આવે છે! જર્મનીમાંના ઓટોબાન માર્ગ પર કોઈ ગતિ-મર્યાદા ન હોવાથી, તેના પરની સફર રોમાંચક પણ એટલી જ ખતરનાક હોય છે. જુદા જુદા દેશોમાં આ માર્ગો હાઈવે, નેશનલ હાઈવે, એક્સપ્રેસવે, ફ્રી-વે, મોટરવે, ઓટોબાન, ઓટોરૂટ, ઈન્ટરસ્ટેટ હાઈવે, વગેરે નામથી ઓળખાય છે.

ભારતમાં આ માર્ગોને આપણે ‘નેશનલ હાઈવે’ તેમજ ‘એક્સપ્રેસવે’ કહીએ છીએ.

ફેબ્રુવારી 7, 2011 Posted by | લેખો | , , , | Leave a comment