ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

ઓટ્સહોર્ન, ઓસ્ટ્રિચ ફાર્મ, સાઉથ આફ્રિકા

સવારના ૯ વાગી ચૂક્યા હતા. અમારી ટુર ગાઈડ ગ્લેન્ડા અમારી રાહ જોતી હતી. ગ્લેન્ડા શરીરે ગોળમટોળ હતી, દેખાવે કંઈ બહુ આકર્ષક નહતી, ઉંમરમાં મોટી હતી, અને ચશ્મા પહેરતી હતી પણ તેના કામમાં તે ‘હાઈલી એફિશીયન્ટ’ હતી. અત્યાર સુધીમાં અમને જેટલાં ગાઈડ મળ્યા, તેમાંથી તે સૌથી સરસ હતી. સ્વભાવની પણ તે એટલી જ માયાળુ હતી. સાચું કહું તો જ્યારે અમે તેને પહેલી વાર જોઈ, ત્યારે અમને થયું હતું કે કેવી જાડી, બેડોળ સ્ત્રી છે! પણ જ્યારે તેણે કામ શરૂ કર્યું, ત્યારે અમને તે ખૂબ જ ગમી ગઈ હતી.

કેટલીક વખત આપણે કોઈના માત્ર દેખાવથી જ કેવો પૂર્વગ્રહ બાંધી દઈએ છીએ. પ્રવાસમાં જ્યારે નવા નવા લોકોને મળવાનું થાય છે, નવી નવી હકીકતોની જાણ થાય છે, ત્યારે જિંદગીનાં કેટલાંક પાઠો પણ શીખવા મળે છે. તો ગ્લેન્ડા એ આવો ‘પાઠ’ હતી.

અમે સૌ ગ્લેન્ડા સાથે ઓટ્સહોર્ન ખાતે આવેલા ઓસ્ટ્રિચ ફાર્મ પર જવા નીકળ્યા. ઓટ્સહોર્નને ‘દુનિયાનું ઓસ્ટ્રિચ કેપીટલ’ કહે છે.  ફાર્મ પર ગયા પછી અમારી સંભાળ ફાર્મ પરના એક ગાઈડે લીધી. અમને એક બેન્ચ પર બેસાડી, તેણે ઓસ્ટ્રિચ વિશે વિગતો આપવા માંડી.  પક્ષીઓમાં ઓસ્ટ્રિચ, ઘણું મોટા કદનું પક્ષી છે. તેના પગ અને ડોક લાંબા હોય છે અને તે ખૂબ ઝડપભેર દોડી શકે છે. તેનાં પીંછા આકર્ષક હોય છે – ઘરમાં વપરાતા ડસ્ટર માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે.

અમારી સામે બે ઓસ્ટ્રિચ પક્ષીઓને લાવવામાં આવ્યા -તેમનાં નામ સુઝી અને જેક હતાં. ગાઈડે અમને આ પક્ષીની વિશેષતાઓ બતાવી. ઓસ્ટ્રિચનાં ઈંડા બહુ જ મોટા હોય છે, તેમજ ખૂબ મજબૂત હોય છે. અમને ઈંડા પર ઊભા રહેવાનું કહ્યું, અમે ખચકાયા. પણ ગાઈડે ઈંડા પર ઊભા રહીને બતાવ્યું કે તે એટલા મજબૂત હોય છે કે આપણા ઊભા રહેવાથી તે કંઈ તૂટી ન જાય!

તે પછી ત્યાં ઓસ્ટ્રિચની રેસ ગોઠવવામાં આવી હતી. જોકે આ બધી તો પ્રવાસીઓને આકર્ષવા માટેની ધાંધલ હતી, પણ તેમ છતાં રેસ જોવાની અમને ખૂબ મજા પડી.  પછી ઓસ્ટ્રિચના રખેવાળો અમારી પાસે બે ઓસ્ટ્રિચને લઈ આવ્યા અને અમને તેમની પર સવારી કરવાનું પૂછ્યું. અમારી સાથે બીજું એક વિદેશી ગૃપ હતું, જેમાંના બે છોકરાંઓ ઓસ્ટ્રિચ પર સવારી કરવા માટે તૈયાર થઈ ગયા. જોકે અમારા જેવા ગુજરાતી પ્રવાસીઓ તે માટે તૈયાર ન થયાં અને અમે એ વિદેશી છોકરાંઓને સવારી કરતા જોવામાં જ શાણપણ માન્યું!

ઓસ્ટ્રિચ ફાર્મથી અમે ચિત્તાલેન્ડ જવા નીકળ્યા. અહીં આવેલા આ બધાં સફારી પાર્ક છે. ચિત્તાલેન્ડમાં તમે ચિત્તા પર હાથ ફેરવી, તેને પંપાળી શકો છો અને જો તમે તેમ કરો, તો તમને એ લોકો સર્ટિફીકેટ આપે છે! લોકો ફોટા પણ પડાવે છે કે જાણે ‘વાઘ માર્યો!!’

પ્રોટીઆ ફૂલ

ત્યાંથી અમે નાઈસ્ના જવા નીકળ્યા. આ બધું મોટરમાર્ગે જ ફરવાનું હોય છે. રસ્તા પર એક બહુ જ સુંદર મજાની રેસ્ટોરેન્ટ આવી, જેનું નામ હતું, ‘ધ પીન્ક અમ્બ્રેલા’. એક સરસ બગીચામાં ફૂલોની વચ્ચે એક મોટી, ગુલાબી રંગની છત્રી ખોલી હતી, જેની નીચે ટેબલો ગોઠવવામાં આવ્યા હતા. જોતાંની સાથે જ ગમી જાય તેવી રેસ્ટોરેન્ટ હતી. એક મોટી ઉંમરની, પ્રેમાળ સ્ત્રી તેનું સંચાલન કરતી હતી. અમને સેલાડ, ભાત અને ઈન્ડીયન કરી મળી ગયા, અમારામાંના કેટલાંક માટે જૈન ખાવાનું પણ મળી ગયું.

નાઈસ્ના પહોંચતા પહેલાં અમે ફૂલોની એક નર્સરીની મુલાકાત લીધી. સાઉથ આફ્રિકાનું નેશનલ ફ્લાવર – રાષ્ટ્રીય ફૂલ – પ્રોટીઆ ખૂબ મનમોહક છે. અમારે જાણવું હતું કે શું તે ફૂલ ભારતમાં ઉગાડી શકાય?

ફેબ્રુવારી 4, 2011 - Posted by | પરદેશ, સાઉથ આફ્રિકા | , , ,

1 ટીકા »

  1. Very good,useful and informative blog.

    ટિપ્પણી by Jay | સપ્ટેમ્બર 18, 2012 | જવાબ આપો


Leave a comment