ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ

સોમવારે સાંજે 6 વાગ્યાના પ્લેનમાં અમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ* માટે અમદાવાદથી મુંબઈ પહોંચ્યા અને એરપોર્ટ પાસેની એક હોટલમાં રોકાયા. મંગળવારે વહેલી સવારની ફ્લાઈટ હતી.

અહીં કેટલાંક ગૂંચવાડા થાય છે. મંગળવારે સવારે 3 વાગ્યાની ફ્લાઈટ છે એમ કહું, તો આપણાં ગુજરાતીઓ અવશ્ય પૂછે, હં… એટલે સોમવારે મોડી રાત્રે ને? આપણે મોડી રાત કહીએ અને એરપ્લેનની ભાષામાં સવાર એટલે કે 3 a.m. કહે – હવે આ રાત-સવારના ગૂંચવાડામાં પડીએ, તો કોઈક વાર ફ્લાઈટ જ ચૂકી જવાય! તો સાથી પ્રવાસીઓને મારો આગ્રહ છે કે આ બાબતે સતર્ક રહેવું.

એનીવે, અમારી એર ઇન્ડિયાની ફ્લાઈટ ચેન્નાઈ અને કુઆલાલમ્પુર થઈને સિંગાપોર પહોંચવાની હતી. સિંગાપોર પહોંચીને બે જ કલાકમાં અમારી ક્વોન્ટાઝ એરવેઝની ફ્લાઈટ હતી, જે અમને બ્રિસ્બેન થઈને કેઈર્ન્સ (ક્વીન્સલેન્ડ) પહોંચાડવાની હતી. તો એરપ્લેનની આ મુસાફરી બહુ લાંબી થઈ ગઈ…. અમદાવાદ-મુંબઈ-ચેન્નાઈ-કુઆલાલમ્પુર-સિંગાપોર-બ્રિસ્બેન-કેઈર્ન્સ ! ઊંઘીએ તો ઊંઘ પણ ન આવે, સરસ ભોજન પીરસાયું પણ ખવાયું નહીં, વાંચું તો વાંચવાની મજા ન આવી, કોઈ ફિલ્મ જોવાની પણ ઈચ્છા ન થઈ. સતત એમ જ થતું કે ક્યા….રે આ પ્રવાસ પૂરો થાય!

ટૂંકમાં શરૂઆતનો પ્રવાસ ભારે ‘બોરીંગ’ રહ્યો. બુધવારને સવારે 9 વાગે (ત્યાંના સમય પ્રમાણે) અમે કેઈર્ન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઊતર્યા, ત્યારે એવા થાકી ગયા હતા કે સીધા જઈને પલંગ પર સૂઈ જ જવું હતું.  પણ તે પહેલાં અમારે કસ્ટમ્સ વગેરે ફોર્માલિટીઝ પતાવવાની હતી.

 ક્વોરેન્ટાઇન રેગ્યુલેશન્સ
ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન રેગ્યુલેશન્સ ભારે કડક હોય છે. જો તમે ખાદ્યપદાર્થ લઈ જતા હો, તો તમારે તે પહેલેથી ‘ડિક્લેર’ કરવો પડે. એટલે કે કસ્ટમના ફોર્મમાં જણાવવું પડે કે તમે શું અને કેટલું લઈ જાઓ છો. તમે જે લઈ જાઓ છો, તે રાંધેલું છે કે નથી રાંધેલું કે પછી ડેરી-પ્રોડક્ટ છે. જોકે ફળો અને ડેરી-પ્રોડક્ટ લગભગ પ્રતિબંધિત છે. કસ્ટમના માણસોએ અમારો સામાન આખેઆખો ખોલીને જોયો. અમારી પાસેનો નાસ્તો જોઈને મને કહ્યું, ‘યુ મસ્ટ હેવ બીન બીઝી કુકીંગ…’ !! આ વાત વર્ષો પહેલાંની છે પણ હવે ભારતીયોની અવરજવરથી તેમને લાગતું હશે કે આમની સાથે આ (નાસ્તાઓ) તો હોય જ! બધો સામાન જોવાઈ ગયો પછી મેં મારી પર્સ -હેન્ડબેગ ખાતરીપૂર્વક ‘સ્કેનર’માં મૂકી. જ્યારે સ્કેનીંગ મશીનમાં રિપોર્ટ આવ્યો કે ‘ફ્રુટ આઈટમ’ -ત્યારે મારા હોશહવાલ ઊડી ગયા. મેં ચોક્કસ કોઈ ફ્રુટ સાથે નહતું રાખ્યું. અને કશું ‘ડિક્લેર’ પણ નહતું કર્યું. જો તમે ‘ડિક્લેર’ ન કરો અને તમારી પાસેથી ફ્રુટ (કે ડેરી-પ્રોડક્ટ) નીકળે તો તમારા પર સીધી જ કાનૂની  કાર્યવાહી થઈ શકે! હું ગભરાઈ ગઈ. કપાળે પરસેવો થઈ ગયો. મારા સાથી મિત્રો અને કુટુમ્બીજનો પણ ચિંતામાં મૂકાઈ ગયા. હવે એક જાડી લેડી ઓફિસરે મને બાજુ પર લીધી અને મારી આખી પર્સ ખાલી કરાવી. સાચે જ મારી પાસે કોઈ ફ્રુટ નહતું… પણ મારી મુખવાસની ડબ્બીમાંથી ‘આંબોળિયા’ મળ્યા – ફ્રુટ, યુ સી !! ગુજરાતી બહેનોની આ ટેવ ઓસ્ટ્રેલિયામાં ભારે પડે! જોકે ‘મેડમ’ ઓફિસર પ્રેમાળ હતા. તેમણે મને મુખવાસ એટલે શું, તે પૂછ્યું -મને સમજાવતાં ભારે પડી ગયું! ‘યુ શુડ હેવ ડિક્લેર્ડ’, ‘યસ મેમ, આઈ ડુ ફિલ સોરી અબાઉટ ઇટ…’

રેનફોરેસ્ટ
બપોરે બે વાગે અમે સ્કાયરેલ પહોંચ્યા. સ્કાયરેલ રેનફોરેસ્ટ કેબલવે ઓસ્ટ્રેલિયાનું સૌથી સારામાં સારું આકર્ષણ છે. આ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ પણ છે. ઉષ્ણકટિબંધના આ ગાઢ, ઘીચ, વરસાદી જંગલો ‘રેનફોરેસ્ટ’ તરીકે જાણીતા છે. કરોડો વર્ષ પહેલાં, (ડાયનોસોર પ્રાણીઓના સમયમાં!) મોટા ભાગનો ઓસ્ટ્રેલિયા ખંડ ગાઢ જંગલોથી છવાયેલો હતો, જેમાં આ રેનફોરેસ્ટ પણ હતા. હવે આ રેનફોરેસ્ટ, જાતજાતના પ્રાણીઓ અને ભાતભાતની વનસ્પતિઓનું જાણે જીવતું મ્યુઝિયમ જ જોઈ લો! કેઈર્ન્સથી 15 જ મિનિટ દૂર સ્કાયરેલ છે. કારાવોનીકા ટર્મિનલથી કેબલવે શરૂ થાય છે. અહીં બધાં લોકોનાં ગૃપ ભેગાં થયાં હતાં. સ્કાયરેલની નાની કેબીનમાં બેસીને પહેલાં તમને આ ઘટાટોપ ઘેધૂર વૃક્ષોના ચંદરવાની ટોચ

ઉપર લઈ જવામાં આવે છે. વૃક્ષોનો આ ચંદરવો કુદરતી છે. તે એટલો બધો ઘેરો હોય છે કે જેથી નીચેની જમીનને વરસાદ, પવન અને સૂર્યથી રક્ષણ મળે છે. જાણે કે પૃથ્વીએ એક ધાબળો ઓઢી લીધો ન હોય! જંગલમાં માત્ર પચાસ ટકા જ પ્રકાશ જઈ શકે છે. અમે ચેરકારમાં બેસીને કુદરતનો આ અદભુત નઝારો માણ્યો. દુનિયાની અજાયબીઓમાં અહીંનું સ્થાન છે. આ અદભુત અનુભવ પછી અમે રેડ પીક સ્ટેશન પર ઊતર્યા. હા, મારી ડાયરીમાં મેં જે વેબસાઇટ નોંધી હતી, તેની લિન્ક આ છે: http://www.skyrail.com.au/

અહીંથી અમારે જંગલમાં ચાલતા જવાનું હતું. ડરની કોઈ વાત નહતી કારણ કે અહીં તેઓએ ચાલવા માટે એક પહોળો રસ્તો બનાવ્યો હતો અને આ ટુરમાં વનરક્ષકો અમને ગાઈડ તરીકેની સેવા આપતા હતા.  અમારી ગાઈડ  વનરક્ષક એક લેડી -સ્ત્રી હતી. તેની બહાદુરી પર મને ખૂબ માન થયું. તેણે અમને જંગલની અંદર રહેલાં વૃક્ષોની ઘણી બધી વિગત આપી, જેમાં હતા, સ્ટેગહૉર્ન ફર્ન, બાસ્કેટ ફર્ન, સ્ટીન્ગ પ્લાન્ટ વગેરે. તેણે અમને કેટલાંક એવા વૃક્ષો બતાવ્યાં, જે એક હજાર વર્ષ જૂના હતા!! 1000 વર્ષ! કેટલાંક પચાસ મીટર ઊંચા હતા, તો કેટલાંકનો ઘેરાવો ત્રણ ફૂટ હતો! તે વૃક્ષોની ડાળીઓથી એવું જાળું રચાયું હતું કે સૂર્યપ્રકાશ ધરતી સુધી પહોંચી જ ન શકે. આ બધામાં મને બાસ્કેટ પામ્સ બહુ ગમ્યા. આ વૃક્ષોની ટોચ પર કુદરતી જ બાસ્કેટ -ટોપલી જેવો આકાર થતો અને ખરતાં પાંદડાં, ડાળીઓ અને આવું બધું આ બાસ્કેટમાં પડતું. આ પાંદડામાં જીવજંતુ પણ થતાં અને આ રીતે તેમાંથી તેનું કુદરતી જ ખાતર બનતું. આમ વૃક્ષને પોતાનામાંથી જ પોષણ મળી જતું. સ્વનિર્ભરતાની કુદરતી રચના! સ્ટીન્ગ પ્લાન્ટ ઝેરી હતા, અને અમારી ગાઈડે અમને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપી.

જંગલમાં ચાલવાની આ ટુર અમને ખૂબ આકર્ષક, રોમાંચક, રસપ્રદ – એક્સાઈટીંગ લાગી. ત્યાંથી મુખ્ય રેલમથક પર જવા અમે કુરાન્ડા ટર્મિનલ પહોંચ્યા. આ ટર્મિનલથી જતો

ઓસ્ટ્રેલિયાનું એક ફાર્મ

રસ્તો સૌથી રમણિય હતો અને બહુ જ ‘સીનીક’ કુદરતી સૌંદર્ય ધરાવતો હતો પણ મારા બદનસીબે હું તેને પૂરો માણી ન શકી -કારણ કે લાંબી મુસાફરી ખેડ્યા પછી આ ટુર લઈને હવે મારી આંખ થાકી ગઈ હતી! પાછા ફરતાં લગભગ આખે રસ્તે મેં ઊંઘ્યા કર્યું. સાંજના છ વાગવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં સૂર્યાસ્ત પાંચ-સાડા પાંચે થઈ જતો હતો. અમને વેજીટેરિયન ખાવાનું

મળી ગયું. આમ ઓસ્ટ્રેલિયાની ધરતી પરનો પ્રથમ દિવસ મારે માટે ખૂબ રસપ્રદ રહ્યો.

(*આ પ્રવાસ આજથી લગભગ દસ વર્ષ પહેલાં થયો હતો.)

Advertisements

નવેમ્બર 5, 2012 - Posted by | ઓસ્ટ્રેલિયા

1 ટીકા »

  1. આજકાલ પ્રવાસીઓ પહેલા બ્રિસ્બેન નજીક ગોલ્ડકોસ્ટમાં (બીચ/થીમ પાર્ક) ફરે છે અને પછી કેઈર્ન્સ જાય છે. ગ્રેટ બેરીઅર રીફ અને સ્ક્યુબા ડાઇવીંગ પણ પ્રવાસીઓના માનીતા છે. ગોલ્ડ કોસ્ટ અને કેઇર્ન્સ આવવા માટે સિંગાપોર/કુઆલામ્પોરથી બજેટ એરલાઇન્સ પણ મળી રહે છે.

    ટિપ્પણી by અમિત પટેલ | નવેમ્બર 9, 2012 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: