ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર

કાળિયાર

Black Bucks in Gujarat?

હા જી. શું તમને નવાઈ લાગી?

બ્લેક બક એટલે કાળિયાર, ખૂબ સુંદર પ્રકારનું હરણ. તેને માથે કાળા, વાંકાચૂકા શિંગડા હોય. લાંબા, ટ્વીસ્ટ થયેલાં શિંગડાં, એ કાળિયારની આગવી ઓળખ છે. જોકે આ વર્ણન માત્ર નર પ્રકારનું છે. માદા હરણ તો આછા બદામી રંગનું હોય છે અને તેને માથે કોઈ શિંગડા નથી હોતા.

જ્યારે અમે ગુજરાતના વેળાવદર ખાતે આવેલા વનવિભાગના આ અભયારણ -બ્લેક બક નેશનલ પાર્ક – ખાતે પહોંચ્યા અને અમારી નજર આ સુંદર કાળિયાર પર પડી, ત્યારે અમને પણ મનમાં થયું કે આવા સુંદર હરણને પાસે બોલાવીને તેના પર પ્રેમથી હાથ ફેરવીએ… રામ સાથે વનવાસ ગયેલા સીતાજીની જેમ જ! જોકે જૂના રજવાડાઓમાં કાળિયારનો શિકાર કરવાનો શોખ ઘણો હતો.

વેળાવદર (ભાવનગર જિલ્લો) અમદાવાદથી લગભગ દોઢસો  કિ.મી. દૂર, એટલે કે કારમાં મુસાફરી કરતાં બે-અઢી કલાક થાય, તો બસ દ્વારા કદાચ ત્રણ કલાક થાય. રસ્તો સુંદર, પહોળો છે.  ભાવનગરથી જઈએ, તો  સિત્તેર કિ.મી.માં વેળાવદર પહોંચી જવાય. વેળાવદરથી સૌથી નજીકનું ગામ, વલ્લભીપુર છે. વલ્લભીપુરનું સ્વામીનારાયણનું મંદિર પ્રખ્યાત છે.

ગુજરાતના ગામમાંથી પસાર થતા...

ગામનું દ્રશ્ય

ગામનું દ્રશ્ય..

    ગુજરાતના ગામોમાંથી પસાર થઈએ, ગામમાં ઊભા રહીએ, લોકોને મળીએ, વાતો કરીએ, ઘડીક રોકાઈએ, ત્યારે જ ગુજરાત જોયું કહેવાય ને! રસ્તા વચ્ચે ચા-નાસ્તો કરવાની, રોકાવાની મઝા છે.

ધોળકાના પ્રખ્યાત લાલ જામફળ !

ધોળકાના પ્રખ્યાત લાલ જામફળ !
વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક

વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક

વનવિભાગના નેશનલ પાર્કમાં ‘સફારી’ કરવા માટે પહેલાં ટિકીટ ખરીદવી પડે છે. પ્રવેશ ફી, વાહન ફી, ગાઈડ ફી તેમજ ફિલ્મીંગ-ફોટોગ્રાફી ફી આપવાની હોય છે. ‘સફારી’માં જાઓ તો માથે ટોપી, અને આંખે કાળા ચશ્મા પહેરવા. શોખીનોને દૂરબીન, કેમેરા વગેરે તો જોઈએ જ. બપોરે ત્રણ વાગે પાર્કમાં જઈ શકાય, જેથી સાંજે અંધારું થાય તે પહેલાં પાછા ફરી શકાય. સવારે વહેલા પણ જઈ શકાય કે જેથી તાપ થાય તે પહેલાં પાછા આવી શકાય.

પાર્કમાં કાળિયાર તેમજ નીલગાય, વરુ અને અસંખ્ય પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓ જોવાના શોખીનોએ સાથે સંદર્ભ પુસ્તક રાખવું, જેથી તેને જોઈને ઓળખી શકાય. પાર્કના એક વિસ્તારમાં વેટલેન્ડ છે. પાણીનું તળાવ અને  ઘાસની જમીન – જેને કારણે (નવેમ્બરથી માર્ચ દરમિયાન) ખૂબ પક્ષીઓ આવે છે અને તેને જોવાનો લ્હાવો અદભુત છે.

વેળાવદર પ્રવાસ માટે, સવારે જઈને સાંજે અમદાવાદ પરત આવી શકાય. પરંતુ રાત્રિ રોકાણથી પ્રવાસનો આનંદ વધુ આવે છે.

વનવગડાની સાંજનું દ્રશ્ય

વનવગડાની સાંજનું દ્રશ્ય

રાત્રિ રોકાણ માટે વેળાવદરની ‘બ્લેક બક લૉજ’ અતિ આધુનિક સગવડો ધરાવે છે, ભોજન વગેરે ગુણવત્તાવાળું મળે છે. વળી પાર્કની સાવ નજીક પણ છે. જોકે કંઈક ખર્ચાળ ખરી -તો ભાવનગર ખાતે પણ રોકાઈ શકાય અથવા વેળાવદર ગામમાં પણ વનવિભાગે સગવડ ઊભી કરી છે.

વર્ષો પહેલાં, શાળામાં એક વાર્તા વાંચી હતી – વાંકડિયા શિંગડાવાળા હરણની વાર્તા. એક હરણ તેના સુંદર વાંકડિયા શિંગડાના વખાણ કરતાં થાકતું જ નહતું. તે એટલું અભિમાની થઈ ગયું હતું કે પોતાની જાતનું પ્રતિબિંબ  કલાકો સુધી તળાવમાં જોયા જ કરતું અને જે કોઈ પ્રાણી આવે તેની સમક્ષ પોતાના સૌંદર્યનું વર્ણન કર્યા જ કરતું. એક દિવસ અન્ય પ્રાણીઓ સાથે તે તળાવમાં પોતાના રૂપના વખાણ કરતું હતું, ત્યારે વાઘની ત્રાડ સંભળાઈ -બીજાં હરણાં અને પ્રાણીઓએ ભાગાભાગ કરી મૂકી અને સૌ ત્યાંથી નાસી છૂટ્યા. પણ વાંકડિયા શિંગડાવાળું હરણ તો પોતાના રૂપનું પ્રતિબિંબ જોવામાં મશગુલ હતું. જ્યારે વાઘ ખૂબ નજીક આવ્યો, ત્યારે તેણે ભાગવાનો  પ્રયત્ન કર્યો પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. નાસભાગ કરવામાં તેનાં વાંકડિયા શિંગડા ઝાંખરામાં ભરાઈ ગયાં. તેણે ખૂબ મથામણ કરી પણ શિંગડા ઝાડીમાં વધારે ગૂંચવાતાં ગયાં. મોત માથે હતું ત્યારે તેને તેના રૂપ પ્રત્યે,  શિંગડા પ્રત્યે નફરત થઈ અને હવે સાચું જ્ઞાન લાધ્યું. એવામાં વાઘે છલાંગ મારી અને બિચારું હરણ રામશરણ થઈ ગયું. જોકે આ બોધકથા છે.

Advertisements

માર્ચ 16, 2012 - Posted by | ગુજરાત, ભારત | , , , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: